સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ
સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે : ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી
December 22, 2025
National
નવી દિલ્હી, તા.૨૨, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં આજે ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી છે. અગાઉ આ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધની ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. ત્યાર પછી આ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ ર્નિણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે. ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે. જેમાં તેમણે ટાંક્યું છે કે કેસનો નિષ્કર્ષ એ છે કે ૫૦ લાખ રૂપિયાના બદલે આરોપીઓએ ૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિમાં ગોલમાલ કરી છે. ઈડીની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનિલ ભંડારી, યંગ ઈન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડનો નામજાેગ ઉલ્લેખ છે. ઈડીની તપાસમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે.જાે કે ઈડીનું માનવું છે કે, આ ગંભીર આર્થિક ગુનો છે, જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા છે. કંપનીના ૭૬ ટકા શેર સોનિયા અને રાહુલ ગાંધી પાસે છે. આ મામલે ગુનાની આવક ૯૮૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે સાથે જે તેને સંબંધિત સંપત્તિઓની કિંમતનું મૂલ્ય ૫૦૦૦ કરોડ છે તેવો દાવો કરાયો છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ૧૬ ડિસેમ્બરે રાહત મળી હતી. કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી કોર્ટે ઈડીની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, CBI એ હજી સુધી કોઈ ‘પ્રિડિકેટ ગુનો‘ (મૂળ ગુનો) નોંધ્યો નથી, તેમ છતાં ઈડી શેની તપાસ ચાલુ રાખે છે.‘ કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો (પ્રિડિકેટ ગુનો) નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરિંગ તપાસ (Prevention Of Money Laundring Act - PMLA હેઠળ) કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે ઈડીની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના ૧૯૩૮માં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરાઈ હતી.
Sponsored
Mobile Ad