બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી, મુસ્તાફિઝુર IPLમાં રમશે

BCCIએ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવા ઇનકાર કરતાં વેઈટ એન્ડ વૉચની નીતિ અપનાવી

January 2, 2026
Sports
બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી, મુસ્તાફિઝુર IPLમાં રમશે
નવી દિલ્હી, તા.૧, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજદ્વારી સંબંધો છતાં, ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમવાની સંભાવના યથાવત્ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરતાં વેઈટ એન્ડ વૉચ ની નીતિ અપનાવી છે અને આ મામલે સરકારના નિર્દેશોની રાહ જાેઈ રહ્યું છે. IPL 2026 ની મિની-ઓક્શનમાં વેચાનારા મુસ્તફિઝુર રહેમાન એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ.૯.૨૦ કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. જાેકે, આ ખરીદી બાદ KKRને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ચાહકો અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતા અને ભારત વિરોધી ભાવનાઓને કારણે બાંગ્લાદેશી ખેલાડીઓના IPL રમવા પર સવાલ ઉઠાવ્યા છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સરકારના આદેશ વિના બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવે.BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "સ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ. હાલમાં એવું કંઈ નથી કે જેનાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. મુસ્તફિઝુર IPL રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી." ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે. ડિસેમ્બરમાં ઢાકામાં ભારતીય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ભારતે પોતાનું વિઝા સેન્ટર બંધ કરી દીધું હતું, જેના જવાબમાં બાંગ્લાદેશે પણ ભારતીય નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. જાેકે, મુસ્તફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણપણે નિશ્ચિત નથી. એપ્રિલ મહિનામાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામે વનડે અને T20 સિરીઝ રમવાની છે. જાે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) મુસ્તફિઝુરને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં આપે, તો તે IPL૨૦૨૬ની ઘણી મેચો ચૂકી શકે છે.
Sponsored
Mobile Ad