ગૂગલ પર ટાર્ગેટ સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

આંતરરાજ્ય ગેંગના ૪ આરોપીઓને અલથાણથી ઝડપ્યા છે હૈદરાબાદ, દિલ્હી અને નોઇડામાં પણ ચોરી કરી છે

January 12, 2026
Gujarat
ગૂગલ પર ટાર્ગેટ સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
સુરત,તા.૧૨, સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ગૂગલ મેપ્સ અને સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને હાઈપ્રોફાઈલ ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના ૪ રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરતી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેઓ જે શહેરમાં જતા ત્યાં સૌથી પહેલા ગૂગલ પર ‘મની એક્સચેન્જ‘ સર્ચ કરતા હતા. આ દુકાનોને ટાર્ગેટ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ત્યાંથી તેઓને ખૂબ જ સરળતાથી મોટી માત્રામાં રોકડ મળી જતી હતી. ગૂગલ પર લોકેશન મેળવ્યા બાદ તેઓ આસપાસના વિસ્તારની રેકી કરતા અને મોડી રાત્રે હાથફેરો કરતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ગેંગ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં રોકાઈ છે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. પોલીસે ઓચિંતી રેડ કરી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ટોળકી અગાઉ હૈદરાબાદમાં ૩ અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી ચૂકી છે. આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ તેઓએ દિલ્હી, ગાઝિયાબાદ, તમિલનાડુ, સિકંદરાબાદ, ફરીદાબાદ અને નોઇડા જેવા મોટા શહેરોમાં પણ ઘરફોડ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે.
Sponsored
Mobile Ad