કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, ૨ મજૂરોના મોત

સાઈટ ઉપર મજૂરો દ્વારા સેન્ટીંગ પાર્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્રણ મજૂરો ઉપરથી નીચે પડતા હતા

January 1, 2026
Ahmedabad
કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, ૨ મજૂરોના મોત
અમદાવાદ, તા.૧, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમાન બિલ્ડિંગમાં કામ કરતી વખતે ૨ શ્રમિકોના અકસ્માતમાં મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના સવારમાં થઈ હતી જેમાં સાઈટ ઉપર મજૂરો દ્વારા સેન્ટીંગ પાર્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું. કામગીરી દરમિયાન ત્રણ મજૂરો ઉપરથી નીચે પડતા હતા આ ઘટનામાં કુલ ૩ શ્રમિકો સામેલ હતા. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨ શ્રમિકોના મોત નીપજ્યા છે. આ ઘટના ખૂબ જ ગંભીર હતી અને શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચેલી હતી. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ચાલુ હોવા છતાં, ૨ શ્રમિકોને બચાવી શકાયા નહીં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અકસ્માતના કારણો અને જવાબદારોને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે. બંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતક ના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પ્લાસ્ટર નું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઉપર પાલક બાંધવામાં આવી હતી અને ત્યારે ત્રણેય મજૂર ઉપર ઉભા કામ કરી રહ્યાં હતા અને પાલક તૂટી પડતા નીચે પડ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા મજૂરો પાસે ફાયર સેફ્ટીના સાધનો સાથે કામગીરી કરાવવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
Sponsored
Mobile Ad