મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું!
સંજય રાઉતના દાવા મુજબ એકનાથ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું ઇચ્છતા નથી
January 18, 2026
National
મુંબઈ, તા.૧૮, મુંબઈનું મેયર કોણ? બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીનું પરિણામ આવ્યાને બે દિવસના વાણા વીતી ગયા બાદ પણ મહાયુતિ(ભાજપ અને શિવસેના શિંદે જૂથ) મેયર નક્કી કરી શકી નથી. હાલ મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના મેયર માટે ચરમસીમાએ પહોંચ્યુ છે. તેવામાં મેયર પદ માટે તાલ ઠોકતા ખેંચતાણ અને હોટલ પોલિટીક્સ પર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. રાઉતના દાવા મુજબ એકનાથ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું ઇચ્છતા નથી, રાઉતે એ પણ કહ્યું કે ઘણા કોર્પોરેટર તેમના સંપર્કમાં છે તે તાજ હોટલ તેમને મળવા જઈ શકે છે. મુંબઈના મેયર પદ માટે સસ્પેન્સ વધી રહ્યું છે. કારણ કે ચૂંટણી જીત્યા બાદ એકનાથ શિંદેએ અઢી અઢી વર્ષ માટે મેયર પદની ભાજપ પાસે માંગ કરી છે. અને પોતાના કોર્પોરેટર્સને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડી દીધા છે. એક તરફ મુખ્યમંત્રી ફડણવીસ વિવાદ નથી તેવી હામ ભરી રહ્યા છે, પણ ઘટનાક્રમ બીજી તરફ ઈશારો કરી રહ્યું છે. કારણ કે મોકો જાેઈને ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું કે, ‘જાે ભગવાનની ઈચ્છા હશે તો શિવસેના UBT જ મેયર બનશે‘. સંજય રાઉતે પણ લાભ ઉઠાવતા જણાવ્યું કે, ‘શિવસેના એકનાથ જૂથના ઘણા કોર્પોરેટર નથી ઇચ્છતા કે ભાજપનો મેયર બને, અમે ઘણાના સંપર્કમાં છીએ‘એકનાથ શિંદેએ કોર્પોરેટર્સને હોટલમાં જેલની માફક કેદી બનાવીને રાખ્યા જે કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે, કોર્પોરેટર્સને ડર છે કે તેમનું અપહરણ થઈ શકે છે, તેમને તોડવામાં આવી શકે છે, તેવામાં શિંદેએ તેમને તાજ હોટલમાં બંધ કરી દીધા છે અને ત્યાં પોલીસ પહેરો લગાવી દીધો છે, આ ખૂબ જ ચિંતાજનક છે કોર્પોરેટર્સના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતાએ વધુમાં કહ્યું કે, ‘મારે અને મારા દોસ્તોએ તાજ હોટલમાં જવું છે, અમે ત્યાં જઈશું તો ગરબડ થઈ જશે, તો પણ અમે જઈશું, દાવો કરતાં કહ્યું, એકનાથ શિંદે જૂથના ઘણા કોર્પોરેટર અમારા સંપર્કમાં છે.
Sponsored
Mobile Ad