ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ
આ પરીક્ષણ ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ સુવિધા પર કરવામાં આવ્યા
December 21, 2025
National
ચંદીગઢ, તા.૨૧, ઈસરો (Indian Space Research Organisation)એ ભારતના પહેલાં માનવ અંતરિક્ષ મિશન ગગનયાનની દિશામાં અન્ય એક મહત્ત્વનું પગલું લીધું છે. ઈસરોએ ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછી કરવાની પ્રણાલી (ડીસેલેરેશન સિસ્ટમ) માટે ડ્રોગ પેરાશૂટના ક્વૉલિફિકેશન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણ ૧૮ અને ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના દિવસે ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL)ની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ (RTRS) સુવિધા પર કરવામાં આવ્યા. ઈસરોના જણાવ્યાનુસાર, આ પરીક્ષણનો હેતુ કઠિન અને બદલાતી ઉડાન સ્થિતિમાં ડ્રોગ પેરાશૂટના પ્રદર્શન અને વિશ્વસનીયતાની તપાસ કરવાનો હતો. બંને પરીક્ષણોમાં તમામ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયા અને પેરાશૂટે વિવિધ પરિસ્થિતિઓમાં પણ પોતાની મજબૂતી સાબિત કરી. ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછું કરવાની પ્રણાલીમાં કુલ ૧૦ પેરાશૂટ છે, જે ચાર અલગ-અલગ પ્રકારના છે. આ પેરાશૂટ અંતરિક્ષથી પરત ફરતા સમયે ક્રૂ મૉડ્યુલને સ્થિર રાખે છે. તેની ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે, જેથી સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે. પેરાશૂટ ખુલવાની ક્રમબદ્ધ પ્રક્રિયા સૌથી પહેલાં બે એપેક્સ કવર સેપરેશન પેરાશૂટ ખુલે છે, જે પેરાશૂટ ડબ્બાના સુરક્ષાત્મક કવરને દૂર કરે છે. ત્યારબાદ બે ડ્રોગ પેરાશૂટ તૈનાત થાય છે. આ ક્રૂ મૉડ્યુલને સ્થિર કરે છે. વાયુમંડળમાં પુન: પ્રવેશ દરમિયાન તેમની તેજ ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે. ડ્રોગ પેરાશૂટ છોડ્યા બાદ ત્રણ પાઇલેટ પેરાશૂટ ખુલે છે, જે ત્રણ મુખ્ય પેરાશૂટને બહાર કાઢે છે. અંતે ત્રણ મુખ્ય પેરાશૂટ સુરક્ષિત ટચડાઉન સુનિશ્ચિત કરવા માટે ક્રૂ મોડ્યુલની ગતિ વધુ ધીમી કરે છે.ડ્રોગ પેરાશૂટ આ આખી પ્રમાલીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. કારણ કે, આ સૌથી કપરી સ્થિતિ- જેમ કે, ઉચ્ચ ગતિ, વધુ ગરમી અને બદલાતી હવાની દિશામાં કામ કરે છે. આ પરીક્ષણ ઈસરો અને DRDO (Defence Research and Development Organisation)ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. જેમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC), એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને ટીબીઆરએલની ટીમે સક્રિય ભૂમિકા ભજવી. આરટીઆરએસ સુવિધા એક વિશેષ રેલ ટ્રેક છે, જ્યાં રૉકેટની મદદથી ઉચ્ચ ગતિ ટેસ્ટ કરવામાં આવે છે. આનાથી વાસ્તવિક અંતરિક્ષ વાપસી જેવી પરિસ્થિતિઓમાં પેરાશૂટનું પરીક્ષણ કરવાની મંજૂરી મળે છે.
Sponsored
Mobile Ad