ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર સમજૂતી

ન્યુઝીલૅન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ફાયદો થશે

December 22, 2025
International
ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર સમજૂતી
નવી દિલ્હી, તા.૨૨, ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સમજૂતી બાદ ન્યુઝીલૅન્ડ તેના ૧૦૦ ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યુઝીલૅન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.પીએમ લક્સને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ સમજૂતી ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ કીવી વ્યવસાયોને અપાવશે અને તેનાથી ૧.૪ અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યુઝીલૅન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક ૧.૧ બિલિયન ડૉલરથી વધીને ૧.૩ બિલિયન ડૉલર થઈ શકે છે. આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની સત્તાવાર શરુઆત ૧૬ માર્ચ, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલૅન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચેની બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યુઝીલૅન્ડ માટે ૭૦ ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે. હાલમાં ભારતનો ન્યુઝીલૅન્ડમાં સરેરાશ આયાત ટેક્સ ૨.૩ ટકા છે, જ્યારે ભારતનો ટેક્સ ૧૭.૮ ટકા જેટલો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘટશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બંને દેશો વચ્ચે ૧.૩ બિલિયન ડૉલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે ૭૧૧.૧ મિલિયન ડૉલરની નિકાસ કરી હતી.વ્યાપારિક દ્રષ્ટિએ જાેઈએ તો, ભારત મુખ્યત્વે ન્યુઝીલૅન્ડને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એટીએફ અને કાપડ ઉદ્યોગનો ફાળો આ નિકાસમાં મોટો રહ્યો છે. બીજી તરફ, ન્યુઝીલૅન્ડથી ભારતમાં મોટાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પાદનોની આયાત થાય છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો માવો(પલ્પ), સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ મુખ્ય છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને તેનાથી આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ મળશે.
Sponsored
Mobile Ad