ટીમ ઇન્ડિયા જાન્યુઆરી 2026 માં રમશે 8 મેચ

ODI શ્રેણીની પહેલી મેચ ૧૧મીએ બરોડામાં રમાશે

January 1, 2026
Sports
ટીમ ઇન્ડિયા જાન્યુઆરી 2026 માં રમશે 8 મેચ
નવી દિલ્હી, તા.૧, નવું વર્ષ આવી ગયું છે અને ટીમ ઈન્ડિયા ભૂતકાળને પાછળ છોડીને નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ વર્ષના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં ઘણા પડકારોનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા આ મહિને કુલ આઠ મેચ રમશે. નોંધપાત્ર વાત એ છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થનારા ICC T20 વર્લ્ડ કપ માટે આ અંતિમ રિહર્સલ છે. ટીમ ઈન્ડિયા ૨૦૨૬ની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. બંને ટીમો પહેલા ODI શ્રેણી રમશે, ત્યારબાદ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. ODI શ્રેણીની પહેલી મેચ ૧૧ જાન્યુઆરીએ બરોડામાં રમાશે. શ્રેણીની બીજી મેચ ૧૪ જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે બીસીસીઆઈ પસંદગી સમિતિ શનિવાર અને રવિવાર વચ્ચે ટીમની જાહેરાત કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ મેચમાં રમતા જાેવા મળશે. આ પછી ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થશે. પહેલી મેચ ૨૧ જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે. બીજી મેચ ૨૩ જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ ૨૫ જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ચોથી મેચ ૨૮ જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ૩૧ જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ સાથે જાન્યુઆરી મહિનો પૂરો થશે અને આ શ્રેણી પણ સમાપ્ત થશે. ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપમાં રમશે જેની પહેલી મેચ ૭ તારીખે રમાશે. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનો વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે T20 વર્લ્ડ કપની શરૂઆત દર્શાવે છે, જે માર્ચ સુધી ચાલશે. T20 વર્લ્ડ કપની પહેલી મેચ ૭ ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે મેદાનમાં જાેવા મળશે, જેનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામે થશે. ભારતીય ટીમ હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને એવી અપેક્ષા છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર આ ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચશે.
Sponsored
Mobile Ad